દેશમાં ટૂંક સમયમાં 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને પણ કોરોનાની વેક્સિન લગાવવાનું શરૂ થઈ શકે છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ હાલમાં જ એ અંગે ઘોષણા કરી છે. માંડવિયાએ ભાજપાની સંસદીય દળની બેઠકમાં આવતા મહિને, એટલે કે ઓગસ્ટથી બાળકોને કોરોનાની રસી લગાવાશે એવી આશા વ્યક્ત કરી છે.
માંડવિયાએ આ જાણકારી ગત મંગળવારે આપી હતી. તેમના નિવેદન પછી આ જાણકારી પણ સામે આવી છે કે ઝાયડસ કેડિલાએ બાળકો પર પોતાની વેક્સિનની ટ્રાયલનો એડિશનલ ડેટા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે સબમિટ કરી દીધો છે. DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી આ ડેટાનો અભ્યાસ કરીને વેક્સિનની ઈમર્જન્સી અપ્રૂવલ પર નિર્ણય લેશે. જો વેક્સિનને અપ્રૂવલ મળે છે તો દેશમાં આ ચોથી વેક્સિન હશે.
એક તરફ જ્યાં અનેક રાજ્યોમાં સ્કૂલ ખૂલી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં જ સ્કૂલ ખોલવાની તૈયારી કરી રહ્યાં છે. એવામાં બાળકોની વેક્સિનને લઈને આવેલા આ સમાચારનું શું મહત્ત્વ છે? દેશમાં બાળકો માટે કેટલી વેક્સિન આવવાની છે? બાળકો માટે કોરોના વેક્સિન કેટલી સુરક્ષિત છે? બાળકોની વેક્સિન કેટલી જરૂરી છે? દુનિયામાં બાળકોના વેક્સિનેશનનું શું સ્ટેટસ છે? આવો સમજીએ…