ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને કોંગ્રેસના યુવાનેતા તથા લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની ગત રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના બલદાણા ખાતે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી સભામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જયારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તરુણ ગજ્જર નામનો એક વ્યક્તિએ સ્ટેજ પર ચડી હાર્દિક પટેલને થપ્પડ મારી દીધી હતી.
બાદમાં હાર્દિક પટેલના સમર્થકોએ તે વ્યક્તિને અર્ધનગ્ન કરી ઢોરમાર માર્યો હતો. જો કે બાદમાં પોલીસે તત્કાલીન એક્શનમાં આવી તે વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાર્દિક પટેલને થપ્પડ મારવાની આ ઘટના રાજ્ય સહિત દેશભરના રાષ્ટ્રીય મીડિયામાં ફેલાઈ ગઈ હતી અને આ બાબતે ભાજપ અને કોંગ્રેસ બંને રાજનૈતિક પાર્ટીઓએ એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ કરતા રાજકારણ ગરમાયુ હતું.
કોંગ્રેસે ચૂંટણી પંચને લખ્યો પત્ર
હાર્દિક પટેલને લાફો મારવાની ગત રોજની ઘટના બાદ આજે કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. કોંગ્રેસે ચૂંટણીપંચને પત્ર લખી હાર્દિક પટેલ સાથે હવે ફરી આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે હાર્દિક પટેલ માટે Y+ સિક્યુરિટીની માંગણી કરી છે.
હાર્દિક પટેલે રાજ્ય સરકારની સિક્યુરિટી લેવાની કરી મનાઈ
હાર્દિક પટેલને લાફો મારવાની સમગ્ર ઘટના બાદ રાજ્યના ગૃહ વિભાગે હાર્દિક પટેલને સુરક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી. જો કે હાર્દિક પટેલે આ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે.
રાજ્ય સરકારની સુરક્ષા લેવાની ના પાછળનું કારણ દર્શાવતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ મને કેન્દ્ર સરકારની Y+ સુરક્ષા મળી હતી. ત્યારે રાજ્ય સરકારે પણ મને સુરક્ષા આપવાનું કહ્યું હતું પણ મે ત્યારે પણ સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી. મારે રાજ્ય સરકારની સુરક્ષાનું કોઈ કામ નથી કારણકે મને લાગે છે તે મારી સુરક્ષા કરતા જાસૂસી વધુ કરે છે.
પાસ કન્વીનર મનોજ પનારાએ ભાજપ પર લગાવ્યો આરોપ
હાર્દિક પટેલ પર થયેલ થપ્પડ કાંડ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જીતુ વાઘાણીના ઈશારે થઇ છે. ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી સમયે રાજ્યનો માહોલ બગાડવા માંગે છે પરંતુ અમે શાંતિમાં માનીએ છીએ.
વધુમાં મનોજ પનારાએ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની એક પણ સભા ન થવા દઈએ. ભારતીય જનતા પાર્ટી ઠોકશાહીમાં માને છે પરંતુ અમે લોકશાહીમાં માનીએ છીએ.
જો કે ભારતીય જનતા પાર્ટીએ તમામ આરોપોને ફગાવતા કહ્યું હતું કે, હાર્દિક પટેલ સાથે થયેલ ઘટનામાં અમારો કોઈ હાથ નથી. હાર્દિક પટેલ સાથે જે બનાવ બન્યો છે તે નિંદનીય અમે અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ.
અન્ય ન્યુઝ નિયમિત રીતે મેળવવા અમારા ફેસબુક Udaan Times (ઉડાન ટાઈમ્સ) ને લાઈક કરો.