ભારત અને ચીન વચ્ચે આવેલું અરુણાચલ પ્રદેશનું યાંગ્સે ભારત-ચીન વચ્ચે મિત્રતાની કડી બની શકે છે. આ સ્થાન લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીક છે. યાંગ્સેની બંને બાજુ ઘણા ધાર્મિક સ્થળો છે જે સ્થાનિક લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. સરહદ પરના ભારતીય ક્ષેત્રમાં 108 ઝરણા છે જે તિબેટીયન સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે તેમજ ચીની ક્ષેત્રમાં ઘણી ગુફાઓ છે જેને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીક રહેલા બંને બાજુના લોકો પવિત્ર સ્થળ માને છે.
બંને બાજુએ કેટલાક અંતરે તિબેટીઓના પવિત્ર સ્થાનો છે. ભારત સરકાર તરફથી એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે કે બંને બાજુના લોકોને આ પવિત્ર સ્થળો પર આવવાની પરવાનગી મળવી જોઈએ. આના માધ્યમથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ સુધારણા થવાની સંભવના છે. યાંગ્સે ફક્ત એર કનેક્ટિવિટી દ્વારા જોડાયેલ છે. તેને જમીન માર્ગ દ્વારા જોડવાનું કામ પણ ચાલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશોની સેનાએ પણ તેને સામાન્ય લોકો માટે ખોલવાની વાત કરી છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનને આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે અને આ યોજના અંગે વિચારણા ચાલી રહી છે. બંને દેશોના સંબંધોને સુધારવામાં આ પ્રસ્તાવ મહત્વનો રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ધાર્મિક સ્થળો પર પર્યટનને પ્રોત્સાહન આપવાથી સંબંધોમાં સુધારો થશે.
ઉલ્લેખનીય છે કે ડોકલામ વિવાદ પછી એપ્રિલ 2018 માં ચીનના વુહાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક અનૌપચારિક શિખર સંમેલનમાં મુલાકાત થઈ હતી, જેમાં બંને દેશોની સેનાઓ માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી હતી. આ મહિનામાં પણ બંને દેશોના વડા આ વિષય પર ભારતમાં બેઠક કરશે. 2017 માં ડોકલામ ફેસઓફ પછી બંને દેશો પોતાના એકબીજા સાથેના સંબંધોને સુધારવા માટે કામ કરી રહ્યા છે.