International

આગામી સંયુક્ત રાષ્ટ્રની સભા અને યુરોપિયન સંઘમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાને લઈને ઇમરાન ખાને ઉચ્ચારી આ ચીમકી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કાશ્મીર મુદ્દે બોખલાયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના બફાટનો અંત આવતો નથી. UN સહિત તમામ આંતરરાષ્ટ્રીય મંચો પરથી વીલા મોઢે પાછા ફરવા છતાં ઇમરાન ખાન કાશ્મીરના મુદ્દા પર ચુપ્પી સાધતા નથી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગત રોજ કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં કાશ્મીરીઓના અવાજને ઉઠાવશે. ઉપરાંત તેમણે ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી કાશ્મીરીઓની દુર્દશાની વાત દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો હોવાનું જણાવ્યું હતું.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક જાહેર સભાને સંબોધન કરતાં ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ ગયું છે અને યુરોપિયન સંઘ તથા બ્રિટિશ સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ છે.

ઉપરાંત તેમણે 27 સપ્ટેમ્બરે યોજાનાર સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં તેના સંબોધન અંગે જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે હું સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાને સંબોધન કરવા જઇ રહ્યો છું અને હું કાશ્મીરના લોકોના અધિકારો માટે એ રીતે ઉભો રહીશ કે આ પહેલા કોઈ તેમની મદદ માટે ઉભુ નહિ રહ્યું હોય.

ઇમરાન ખાને ભારત દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તેની બીજી મુઝફ્ફરાબાદ મુલાકાતમાં કહ્યું કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ ગયું છે અને 50 વર્ષમાં પહેલી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના પર ચર્ચા થવાની છે.

ભારતે કલમ 370 ને નાબૂદ કરવાને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો છે અને પાકિસ્તાનના “બેજવાબદાર નિવેદનો” પર સખત આપત્તિ દર્શાવી છે.

જો કે ઇમરાન ખાને કહ્યું કે, પ્રથમ વખત યુરોપિયન સંઘે કહ્યું છે કે કાશ્મીર મુદ્દાનું સમાધાન સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ મુજબ થવું જોઈએ. ઓઆઈસી (ઇસ્લામિક સહયોગ સંગઠન) અને 58 દેશોએ કાશ્મીરમાં થઈ રહેલા દમન અંગે પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે કાશ્મીરમાં કર્ફ્યુ હટાવવી જોઇએ.

વધુમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાને કહ્યું હતું કે, ભારતના કાશ્મીરમાં 370 હટાવવાના પગલાથી કાશ્મીરમાં ઉગ્રવાદ વધશે. તેમણે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ભારતના કોઈપણ હુમલાનો સંપૂર્ણ જવાબ આપશે. તેમણે કહ્યું કે જો ભારત ઈંટ ફેંકશે તો અમે તેનો જવાબ પથ્થરથી આપીશું.

આ ઉપરાંત ઇમરાન ખાને કહ્યું કે, હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સંદેશ આપવા માંગુ છું કે અત્યાચાર કરવા છતાં તમે ક્યારેય સફળ થશો નહિ કારણ કે કાશ્મીરીઓ મૃત્યુથી ડરતા નથી તેથી તમે તેમને હરાવી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *