International

કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર ઇસ્લામિક દેશ સાઉદી અરેબીયાએ ભારતને સમર્થન આપ્યું છે. જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 હટાવવા પર હાંફળા ફાફળા થયેલ પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન ઇસ્લામિક કાર્ડ રમી રહ્યા છે ત્યારે વિશ્વવ્યાપી ઇસ્લામિક બળ માનવામાં આવતા સાઉદી અરેબિયાનું ભારતને સમર્થન મેળવવું એ ભારત માટે એક મોટી રાજદ્વારી જીત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાઉદી અરેબિયાએ રિયાધમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે બે કલાકની બેઠકમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. દરમિયાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ આ વાતચીતમાં ઉભો થયો છે. આ અંગે સાઉદી ક્રાઉન પ્રિંસે કહ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં ભારતે લીધેલા પગલાંને સમજીએ છીએ. જણાવી દઈએ કે 5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો અને પ્રાંતને બે અલગ રાજ્યોમાં વહેંચવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. આ પછી પણ સાઉદી અરેબિયા તરફથી ભારતને સમર્થન ઇમરાન ખાન માટે મોટો ફટકો છે. નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા 5 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાઉદી અરેબિયા સાથેના સંબંધોને સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા છે. આને કારણે સુરક્ષા અને ગુપ્તચર જેવી બાબતોમાં સાઉદી અરેબિયા પણ ભારતના મદદગાર તરીકે ઉભરી આવ્યું છે.

ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક બંને દેશોના સંબંધોને વધુ સુધારવા જઇ રહી છે. જ્યારે સાઉદી અરેબિયા 2030 સુધીમાં તેલ પર તેની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે ભારતની આ બેઠક ઘણી મહત્વ પૂર્ણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *